ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

હિંસાગ્રસ્ત બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો

બાંગલાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં હિંસક આંદોલન વચ્ચે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હોવાનાં અહેવાલ છે.શેખ હસીના લશ્કરનાં હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. લશ્કરના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે જાહેરાત કરી હતી કે, દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે.

બાંગલાદેશના માધ્યમોના અહેવાલ પ્રમાણે ઢાકામાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગોનોભબન પર સેંકડો દેખાવકારોનું ટોળું ધસી આવ્યા બાદ પ્રધાનમંત્રી હસીના સલામત સ્થળ માટે રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે પોલિસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં આશરે 100 વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને એક હજારથી વધુ લોકોને ઇજા થઈ હતી.

એર ઇન્ડિયાએ ઢાકા આવતી જતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી નાબૂદ કરી છે. સરહદ સલામતી દળે આજે જણાવ્યું હતું કે, ભારત-બાંગલાદેશ સરહદ પર હાલમાં સામાન્ય સ્થિતિ છે.

1971માં લોહિયાળ નાગરિક યુધ્ધમાં પાકિસ્તાનમાંથી બાંગલાદેશને મુક્ત કરાવનાર સ્વતંત્રતા સેનાનીઓનાં વંશજો માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. દેખાવકારોની દલીલ છે કે આ પ્રથા ભેદભાવભરી છે અને શેખ હસીનાના પક્ષ અવામી લીગનાં ટેકેદારોની તરફેણ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ