બાંગ્લાદેશમાં થઇ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના પગલે લગભગ એક હજાર ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા છે.. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ લેન્ડ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા છે. આ ઉપરાંત, લગભગ 200 વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્વારા ઘરે પરત ફર્યા છે.
મંત્રાલયે કહ્યું કે, ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને ચિત્તાગોંગ, રાજશાહી, સિલ્હેટ અને ખુલનામાં સહાયક હાઈ કમિશન ભારતીય નાગરિકોને પરત લાવવામાં મદદ કરી રહ્યાં છે. ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદના ક્રોસિંગ પોઈન્ટ્સ પર સલામત મુસાફરીની સુવિધા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઢાકામાં ભારતના હાઈ કમિશન અને મદદનીશ હાઈકમિશન બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં બાકી રહેલા ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓના નિયમિત સંપર્કમાં છે અને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓની વિનંતી પર ભારતમાં પ્રવેશવામાં મદદ કરવામાં આવી છે.