ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે બે કલાક સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, શહેરમાં રાત્રે 10 વાગે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ રાત્રે વરસાદી માહોલ હતો. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધી દિનેશ પરમાર જણાવે છે કે, ગઈ કાલે લખતર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન થયું હતું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, બાબાજીપરા, છારદ, ઓળક, કડુ, કળમ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો. બીજી તરફ આ વરસાદના કારણે ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલ લખતર તાલુકામાં ખેતરોમાં તલ, કપાસ, અડદ, જુવાર, મગ જેવા પાકો તૈયાર છે ત્યારે આ વરસાદથી ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ છે. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, સાંજે છ વાગ્યે પુરા થતા ચાર કલાકમાં ગણદેવીમાં બે ઇંચ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પણ ગઇ કાલે સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત પડ્યો હતો. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૧૫ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ ૧૫૭ ટકા વરસાદ છોટાઉદેપુર તાલુકામાં નોંધાયો છે .અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધ વિપુલ પુરોહિત જણાવે છે કે, ગોધરા પંથકમાં સાંજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. થોડાં વિરામ બાદ રાત્રિના સાડા બાર વાગ્યે ફરી એક વાર ઝાપટાં શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
દરમિયાન. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાનાં મોટા ભાગનાં સ્થળો અને સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી. ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લા અને કેન્દ્રશાસિત દિવમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ