હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિતનાં કેટલાંક જિલ્લામાં પુરનું જોખમ હોવાની પણ ચેતવણી આપી છે.
રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 23 હજાર લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 1600 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરમિયાન, છેલ્લાં 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૨ ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં ૧૧ ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 3:02 પી એમ(PM) | ભારે વરસાદ