મંગળવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતગણતરી સુચારુ રીતે થાય તે માટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે રાજ્યની તમામ 90 બેઠકો પર લગભગ 67 ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ મતદાન બાદ EVM મશીનોને વિવિધ જિલ્લાના સંબંધિત સ્ટ્રોંગ રૂમમાં ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. 8 ઓક્ટોબરે ચૂંટણી અધિકારીઓ, ઉમેદવારો અને નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાની દેખરેખ અને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં 18 અને 25 સપ્ટેમ્બર અને આ મહિનાની 1લી તારીખે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં એકંદરે 63.8 ટકા મતદાન થયું હતું. કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે.