રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે દસ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકો પર ચૂંટણી યોજાશે જેમાં 157 ઉમેદવારો મેદાનમાં છે.
સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા. કુલ 1 હજાર 844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થતાં 1 હજાર 677 બેઠકો પર ચૂંટણી યોજાશે આ માટે કુલ 7 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત 178 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાન મથકે મત આપવા જતાં મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું થશે. જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી પંચે નક્કી કરેલ 14 ફોટો સાથેના દસ્તાવેજો પૈકીનો કોઈ એક પુરાવો રજૂ કરી શકાશે.
બોટાદ નગરપાલિકામાં 44 બેઠકોમાંથી 10 બેઠક બિનહરીફ થતા 34 બેઠક માટે આવતીકાલ મતદાન થશે. 77 મતદાન મથકો પર ચૂંટણી સાહિત્ય અને EVM સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી છે. આ અંગે બોટાદના મુખ્ય ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામીએ વધુ માહિતી આપી.