રાજ્યની 68 માંથી 65 મહાનગરપાલિકામાં ભાજપે વિજયનો દાવો કર્યો છે. જ્યારે પોરબંદરની કુતિયાણામાં સમાજવાદી પાર્ટી અને છોટાઉદેપુરમાં ભાજપ સહિતના કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. આ ઉપરાંત ધોરાજી નગરપાલિકા કોંગ્રેસે ગૂમાવી છે.
મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી અહેવાલ આપ્યો હતો કે લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર નગરપાલિકા સહિત ખાનપુર તાલુકાની કનોડ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. સંતરામપુર નગર પાલિકા માં ૨૪ ઉમેદવારો માંથી ૧૫ ઉમેદવારોમાં ભાજપની જીત થતાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોર એ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
છોટાઉદેપુર નગર પાલિકામાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપાને આઠ, કોંગ્રસને એક, અપક્ષને ચાર તેમજ સર્વ સમાજ પાર્ટી અને બીએસપીને ચાર-ચાર બેઠક મળી છે જ્યારે સમાજવાદી પાર્ટીને ફાળે છ બેઠક ગઇ હોવાનું અમારા છોટાઉદપુરના પ્રતિનિધિ જણાવી રહ્યાં છે.
જિલ્લામાં ખેડા,મહેમદાવાદ,મહુધા,ચકલાસી, ડાકોર નગરપાલિકાના કુલ 36 વોર્ડની 136 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા કપડવંજ પાલિકાની કુલ બે વોર્ડની બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી .પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત થઇ હોવાનું ખેડાના અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકા તેમજ લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માં ભાજપનો વિજય થયેલો છે
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગારીયાધાર, તળાજા અને સિહોર નગરપાલિકાઓમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે..જ્યારે ભાવનગર મહાનગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરશી ચુડાસમાનો વિજય થયો હતો.
જામનગરથી અમારા પ્રતિનિધિ જગત રાવલ અહેવાલ આપે છે કે જામનગરના ધ્રોલ નગરપાલિકા ની ૨૪ બેઠકો પૈકી ૧૫ બેઠક પર ભાજપ , ૮ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠક પર અપક્ષના ઉમેદવારનો વિજય થયો હતો.જામજોધપુર નગરપાલિકામાં ૨૮ બેઠકો પૈકી ૨૭ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો અને એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઇ હતી.
પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની ટીમને 28 સીટમાંથી 20 સીટમાં વિજય મળતા સતત ત્રીજી વખત કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીની ટીમનો ત્રીજી વખત વિજય થયો છે. જયારે કુતિયાણામાં પણ સમાજવાદી પાર્ટીની ટીમને 24 માંથી 14 સીટ પર વિજય મળતા કુતિયાણા નગરપાલિકા પર પણ સમાજવાદી પાર્ટીનું શાસન આવશે તેમ પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કાએ અહેવાલ આપ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નગરપાલિકામાં 26માં ભાજપ, કોંગ્રેસને બે બેઠક મળી છે. તેમજ 9 તાલુકા પંચાયત બેઠકોમાં તમામ બેઠકો ભાજપએ કબજે કરી અને જિલ્લા પંચાયત 1 બેઠક માં પણ ભાજપે જીત મેળવી છે.
પાટણ જિલ્લામાં રાધનપુર, હારીજ અને ચાણસ્મા એમ ત્રણ નગરપાલિકા ત્રણેય નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી હોવાનું અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકીએ અહેવાલ આપ્યો હતો.કડી તાલુકા પંચાયત અગોલ બેઠક ભાજપે જીતી છે.
અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકા અને બાયડ તાલુકામાં પેટા ચૂંટણીમાં ભાજપી બે મહિલાઓ ઉમેદાવારોએ બાજી મારી હોવાનું અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણે જણાવ્યું છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:20 પી એમ(PM) | ચૂંટણી
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની જીત
