રાજ્યના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉંબેરગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસી ચૂક્યો છે. તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે NDRFની દસ ટીમો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં તૈનાત કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. નર્મદા, ડાંગ, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ અને દીવ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે.
જો કે, આજે રાજ્યના પૂરગ્રસ્ત સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના બાકીના ભાગોમાં અત્યાર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
દ્વારકા જિલ્લામાં 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વડતરા ગામની ફૂલકું નદીમાં પુર આવ્યું છે તો વડત્રા ગામના બજારો તેમજ ખેતરોમાં ઘૂંટણ જેટલા પાણી ભરાયા છે. ખંભાળિયા શહેરના જોધપુર ગેટ, નગરગેટ, રામનાથ, સોની બજાર સહિતના વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
તાપીના વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.
અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.