ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું. 25 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની 10-10 ટીમો ગોઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું
કે, પુરમાં ફસાયેલા 45 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી 400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વરસાદને કારણે નવ
રાજ્ય ધોરી માર્ગ સહિત 200થી વધુ રસ્તાઓનું ધોવાણ થયું છે. 350થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેમાંથી 300 ગામોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.
દરમિયાન, સરદાર સરોવરમાં 54 ટકા વરસાદની આવક થઈ છે. રાજ્યનાં 13 ડેમ હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં 42 વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નવ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, શિહોર, પાલીતાણા, તળાજા અને મહુવામાં છૂટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ