સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી. સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ મેળામાં યોજાયેલ ગ્રામીણ ઓલિમ્પિકે આકર્ષણ જમાવ્યું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી રમતવીરોએ પોતાની રમતોનું પ્રદર્શન કર્યું હતું. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં દેશી રમતો જેમ કે, નાળિયેર ફેંક, વોલીબોલ, માટલા દોડ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવે છે. તાપી, રાજકોટ, મોરબી સહિતના રાજ્યભરના અનેક ખેલાડીઓ પોતાનું કૌશલ્ય ઝળકાવવા તરણેતરના મેળામાં આવ્યા હતા. આ લોકમેળામાં ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે 37 લાખથી વધુના 221 ઈનામો વિવિધ શ્રેણીમાં
આપવામાં આવી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:37 પી એમ(PM)