સુરતમાં કિમ-કોસંબા રેલવે ટ્રેક પરથી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટનામાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા – NIA અને આતંકવાદ વિરોધી ટુકડી – ATS દ્વારા કરાયેલી તપાસમાં ફરિયાદી રેલવેકર્મી સુભાષ પોદ્દાર જ આરોપી નીકળ્યો છે.
આ અંગે ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે માહિતી આપતાં કહ્યું, કે રેલવે ટ્રેક પર પેડલૉક કાઢી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ 2 દિવસ પહેલા થયો હતો.
શ્રી જોયસરે ઉમેર્યું કે, તપાસ દરમિયાન આરોપી રેલવેકર્મી સુભાષ પોદ્દારે સારી કામગીરી બતાવવા અને રેલવે તરફથી મળતાં વિશેષ પુરસ્કાર મેળવવા હેતુસર પોતે જ 71 પેડલૉક કાઢી નાખ્યા હોવાનો ખુલાસો થયો હતો. સુરત સ્થાનિક ગુના શાખા – LCB હાલમાં રેલવેકર્મીઓની પૂછપરછ કરી રહી છે. જોકે, ફરિયાદ નોંધાઈ ત્યારથી જ NIAને આરોપી ઉપર શંકા હતી અને આખરે તે જ આરોપી નીકળ્યો.