સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજથી ૧૯ ઓક્ટોબર સુધી હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા કેમ્પ યોજાશે.
પ્રથમ દિવસે ૨૨૩ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યા હતા. સુરત જિલ્લામાંથી અંદાજે ૧૬૦૦ પ્રવાસીઓ હજ યાત્રાએ જનાર છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજયાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ સ્થળે વિવિધ પ્રકારના જરૂરી ટેસ્ટ અને ચકાસણી થઈ શકે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન નાયકએ જણાવ્યું કે, “હજ યાત્રીઓ સરળતાથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકે તે માટે એક જ છત હેઠળ તમામ તપાસ પૂર્ણ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૧૯ ઓક્ટોબર સુધી તમામ યાત્રીઓના ચેકઅપ અને સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.