રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે.
આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં પણ આજથી બે દિવસમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર, સોમનાથ, બોટાદ, તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
દરમિયાન રાજ્યમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના સ્ટેટ એમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 14 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાત, નર્મદાના ગરૂડેશ્વરમાં 6, નાંદોદમાં પાંચ, તિલકવાડામાં ચાર, સાબરકાંઠાના વિજયનગરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સિવાયના તાલુકામાં ત્રણ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે, હળવદમાં સુસવાવ નજીક આવેલો શક્તિસાગર – બ્રાહ્મણી 2 ડેમ, 100 ટકા ભરાઈ ગયો છે. એટલે ડેમનો એક ગેટ અડધા ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમના હેઠવાસમાં આવતા સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર, ખોડ, અજિતગઢ અને માનગઢ એમ 11 ગામને અલર્ટ અપાવામાં આવ્યું છે, જેથી ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ના કરવા તેમજ તકેદારીના પગલા લેવા સૂચના આપવામા આવી છે.
પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, શહેર સહિત જિલ્લામાં ગઈકાલે બપોરે વાતાવરણ પલટાતા સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના ચાર કલાકમાં જિલ્લામાં તમામ તાલુકામાં સામાન્યથી અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
Site Admin | જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM) | aakshvani | Gujarat | newsupdate | Rain | Surat | topnews | weatherupdate