સી.એમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો અને સુપર સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારનાં અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોનાં માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.
આજે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂ. ૭૦૦ થી રૂ. ૯૦૦ વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પીડિયાટ્રીશીયન અને જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન ૩,૦૦૦ રૂપિયા તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોને પ્રતિ દિન ૨,૦૦૦ રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજીયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોકટરોને ૩૦૦ થી ૨,૦૦૦ રૂપિયા સુધીનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટીસ્ટની સેવાઓ લેવામાં આવે તો તેમને અત્યારની પ્રોત્સાહક રકમનાં ૫૦ ટકા રકમ વધુ આપવામાં આવશે.
આ ઉપરાંત, રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલીત મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વીઝીટીંગ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે 2700 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે વધારીને ૮,૫૦૦ કરવામાં આવ્યા છે.
નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીસ્ટને દિવસના રૂ. ૮,૫૦૦ આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં પણ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.
તેમણે સુધારેલા દર અંગે કહ્યું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે ૫૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. ૭૦૦થી વધારીને ૧,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ૫૧ થી ૧૦૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર ૮૦૦ થી વધારીને ૧,૨૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે.