સાસણ ગીર બાદ હવે ‘એશિયાઈ સિંહો’નું બીજું નવું રહેઠાણ – ‘બરડા વન્યજીવ અભયારણ્ય બન્યું છે.
દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા ‘બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે આવતીકાલથી આરંભ થશે.
દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે બપોર બાદ આ કાર્યક્રમ યોજાશે..
બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જિત આશરે ૧૯૨ ચોરસ કિ.મી. વિસ્તાર અભયારણ્ય માટે આરક્ષિત છે. ત્યારે આ અભયારણ્યમાં ૩૬૮ વનસ્પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ ૫૪ ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છે. આ અભયારણ્યમાં સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજનાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્યજીવોનું રહેઠાણ પણ છે..
લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરી જોવા મળી છે.
બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થાય છે.
સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.