સર્વોચ્ચ અદાલત આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યા કેસ અંગે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, મુખ્ય ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસ સાંભળશે. ગત સપ્તાહે સર્વોચ્ચ અદાલતે આ મામલે નોંધ લેતા સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું. કોલકાતાની વડી અદાલત આ મામલે પહેલાથી સુનાવણી કરી રહી છે,
અદાલતે આ કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. પીડિતાના માતાપિતા સહિત અન્ય કેટલાક લોકોએ નિષ્પક્ષ તપાસની અપેક્ષા સાથે વડી અદાલતમાં અપીલ કરી હતી. જે બાદ આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. આ સમગ્ર કેસમાં શરૂઆતથી જ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય પક્ષોનો આરોપ છે કે સ્થાનિક પોલીસ ગુનેગારોને બચાવી રહી છે.
ગત 15 ઑગસ્ટના રોજ રાજ્યમાં મહિલાઓ દ્વારા કરાયેલા વ્યાપક વિરોધ પ્રદર્શનો દરમિયાન આરજી કર હૉસ્પિટલ પર હુમલા બાદ આ આરોપોને વેગ મળ્યો છે. ભાજપનો આરોપ છે કે હુમલાખોરોએ ઇમરજન્સી વિભાગમાં તોડફોડ મચાવીને પૂરાવાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોલાકાતા પોલીસ દ્વારા ડૉક્ટરનો વિસેરા બદલવામાં આવ્યો હોવાનો આરોપ વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મૂક્યો છે, વધુમાં તેમણે અન્ય પુરાવાઓ સાથે ચેડાં કરાયા હોવાનો દાવો પણ કર્યો.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:22 એ એમ (AM) | #aakahvani #aakashvaninews