સર્વોચ્ચ અદાલતે તિરુમાલા તિરુપતિ મંદિરમાં પ્રસાદમના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગ અંગેના આરોપોની તપાસ કરવા માટે સ્વતંત્ર વિશેષ તપાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. સ્વતંત્ર એસઆઈટીમાં સીબીઆઈના બે અધિકારીઓ અને આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ તથા ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળના બે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થશે. સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા આ સમગ્ર કેસની તપાસની દેખરેખ રાખવામાં આવશે.
સર્વોચ્ચ અદાલત ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી, રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ અધ્યક્ષ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, વાયવી સુબ્બા રેડ્ડી અને ઈતિહાસકાર વિક્રમ સંપથ અને આધ્યાત્મિક પ્રવચન વક્તા દુષ્યંત શ્રીધર દ્વારા દાખલ કરાયેલી વિવિધ અરજીઓની સુનાવણી કરી રહી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ મામલે આરોપો અને પ્રતિ-આરોપોની યોગ્યતા પર હાલમાં કંઈપણ અવલોકન કર્યંત નથી અને અદાલતનાં નિર્ણયનો રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં તેવો પણ મત વ્યક્ત કર્યો હતો. અગાઉની સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે પુરાવા વિના આરોપો સાથે જાહેરમાં જવા અંગે ચંદ્રાબાબુ નાયડુને પ્રશ્ન કર્યો હતો. ગયા મહિનાની 18મી તારીખે, શ્રી નાયડુએ આક્ષેપ કર્યો હતો કે અગાઉના વાયએસ જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન તિરુપતિ લાડુ તૈયાર કરવાના ઉપયોગમાં લેવાતા ઘીમાં પશુ ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આરોપ બાદ મોટો રાજકીય વિવાદ થયો હતો.
Site Admin | ઓક્ટોબર 4, 2024 1:51 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત