સર્વોચ્ચ અદાલતે આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યા કેસ અંગે સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને તબીબોને હડતાળ સમેટવા આદેશ કર્યો છે. ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ, જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે, આ મામલે આર.જી. કર મેડિકલ હૉસ્પિટલમાં કરાયેલી તોડફોડ અંગે રાજ્ય સરકારને 22 ઑગસ્ટ સુધી અહેવાલ સુપરત કરવા આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે મોડી દાખલ થયેલી પોલીસ ફરિયાદ અંગે પણ સવાલ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું કે તબીબો અને સંગઠનોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરવાનો આધિકાર છે. મુખ્ય ન્યાયમૂર્તિએ તબીબોની સુરક્ષા માટે 14 સભ્યોના રાષ્ટ્રીય કાર્ય દળની રચના કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે સર્વોચ્ચ અદાલતે આ મામલે નોંધ લેતા સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું. કોલકાતાની વડી અદાલત આ મામલે પહેલાથી સુનાવણી કરી રહી છે, અદાલતે આ કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:22 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત