સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોલિસિટર જનરલે અદાલતની ખંડપીઠને જણાવ્યું હતું કે, આ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ કથિત પેપર લીક અને ગેરરિતી કેસમાં ગઈ કાલે સાંજે તેનો બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું કે, સીબીઆઇની તપાસ ચાલી રહી હોવાથી તેની માહિતી બહાર પાડવાથી તપાસ પર અસર થઈ શકે છે. તેમણે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-એનટીએને પરિણામમાં ટોચનાં 100માં સ્થાન પામેલા વિદ્યાર્થીઓની શહેર પ્રમાણેની વિગતો માંગી હતી. એનટીએએ જવાબમાં જણાવ્યું હતું કે, આ 100 વિદ્યાર્થી 91 સ્થળોનાં છે અને તેમાંનાં ચાર વિદ્યાર્થી લખનઉનાં એક પરિક્ષા કેન્દ્રનાં છે.
ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈના રોજ, સર્વોચ્ચ અદાલતે પરીક્ષા રદ કરવા, ફરીથી પરીક્ષા લેવા અને કથિત ગેરરીતિ વિરુધ્ધ થયેલી તમામ અરજીઓ પર સુનાવણી આજ પર મુલતવી રાખી હતી.
કેટલાંક પક્ષકારોને સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA તરફથી જવાબ ન મળવાને કારણે કોર્ટે સુનાવણી લંબાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ, ન્યાયાધીશ જે.બી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડ પીઠ 40થી વધુ અરજીઓ પર સુનાવણી કરી રહી છે.. આ અરજીઓમાં રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા દ્વારા વિવિધ વડી અદાલતોમાં પડતર કેસોને સર્વોચ્ચ અદાલતમાં મોકલવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓનો પણ સમાવેશ થાય છે
Site Admin | જુલાઇ 18, 2024 2:06 પી એમ(PM) | NEET-UG 2024