રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગઇકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ રાજ્યોની પંચાયતી રાજ સંસ્થાઓની અનુસૂચિત જનજાતિની મહિલા પ્રતિનિધિઓને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે, પંચાયતી રાજ સંસ્થાઓ ભારતીય લોકશાહીનો પાયો છે. તેમણે કહ્યું કે, તેઓ પાયાના સ્તરે શાસન અને સમુદાયના વિકાસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, આ સંસ્થાઓએ મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. લગભગ 14 લાખ મહિલાઓ સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તરીકે સેવા આપી રહી છે, જે કુલ ચૂંટાયેલા પ્રતિનિધિઓના 46 ટકા છે. સુશ્રી મૂર્મુએ કહ્યું કે, આ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મોટાભાગના રાજ્યોએ આરક્ષણ મર્યાદા વધારીને 50 ટકા કરી છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 9:56 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ