સમગ્ર વિશ્વમાં ધામધૂમ, ઉત્સાહ, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. સૌથી પહેલા પ્રશાંત ક્ષેત્રના કિરીબતિમાં નવા વર્ષનું સ્વાગત કરાયું. નવા વર્ષનો સ્વાગત સમારોહ અમેરિકી સમોઆમાં સૌથી છેલ્લે યોજાયો હતો.
જ્યારે સિડનીથી લંડન સુધી નવા વર્ષને આશા અને આકાંક્ષાઓની સાથે ઉજવવામાં આવ્યું. તો ન્યૂ ઝિલેન્ડના ઑકલૅન્ડ પહેલું મુખ્ય શહેર હતું, જ્યાં ભવ્ય આતશબાજી અને ધામધૂમ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ઘડિયાળનો કાંટો રાત્રે 12 વાગ્યાના ટકોરે પહોંચ્યો તરત જ આતશબાજી અને રોશનીથી હારબર બ્રિજ અને ઑપેરા હાઉસ જગમગી ઊઠ્યું હતું.
દુબઈમાં વિશ્વના સૌથી ઊંચા સ્કાયસ્ક્રૅપર બૂર્જખલીફા પર નવા વર્ષના સ્વાગત માટે ભવ્ય આતશબાજી અને રોશની કરવામાં આવી. લંડનામાં પણ કડકડતી ઠંડી વચ્ચે ટૅમ્સ નદીના કાંઠે ભવ્ય આતશબાજી કરવામાં આવી.
આ તરફ ભારતમાં નવું વર્ષ ઉત્સાહ સાથે ઉજવાયું. મુંબઈમાં અરબસાગરના કાંઠે હજારો લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું. જ્યારે દિલ્હીના કનૉટ પ્લેસ અને હૌજ ખાસ જેવા મહત્વના સ્થળો પર ઘણી અવરજવર જોવા મળી.
રાજધાનીમાં પણ નવા વર્ષ નિમિત્તે લોકોની ભીડને જોતા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન સમૃદ્ધ વર્ષની પ્રાર્થના માટે હજારો શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 1, 2025 2:20 પી એમ(PM) | નવા વર્ષ