સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવું વર્ષ વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર રાજ્યમાં તેની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિ લાવે. તેમણે આશા વ્યક્ત કરી કે દરેકના સપના સાકાર થાય અને દરેક દિવસ નવી ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો હોય. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ ખાતેના તેમના નિવાસ સ્થાનેથી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભે આજે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નાગરિકો-પ્રજાજનોને નવા વર્ષને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે આજે વહેલી સવારથી રાજ્યના મુખ્ય મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ અને ધંધાકીય ગૃહો તેમના વ્યવસાયના સ્થળોએ પૂજા અર્ચના કરીને આજથી પાંચ દિવસ તેમની દુકાનો બંધ કરશે.
Site Admin | નવેમ્બર 2, 2024 1:58 પી એમ(PM)
સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા નવા વર્ષની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી
