ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM) | ચોમાસુ | વરસાદ

printer

સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ જામ્યુ

નૈઋત્યનું ચોમાસુ સમગ્ર રાજ્યમાં જામ્યુ છે. ગઇકાલે રાજ્યનાં 201 તાલુકામાં એકથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને પગલે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ ગીરનાર, માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિત અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થયા હતા.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિને જોતા 9 જેટલી NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરતમાં ટીમો તૈનાત કરાઈ છે.
હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, સુરેન્દ્ર નગર રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી દ્વારકા, ગીર સોમનાથ કચ્છ તેમજ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે કે બોટાદ, ભાવનગર, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ખંભાળિયામાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયામાં નગર ગેટસ, રામનાથ, સોની બજાર સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા હતા. જેને પગલે વાહનવ્યવહારને અસર થવા પામી હતી. એટલું જ નહીં ખંભાળિયાના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ હતા. જામનગરમાં તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. રણજીત સાગર ડેમમાં 2 ફૂટ પાણીની આવક થઈ છે.
જામનગરમાં છેલ્લા ચોવિસ કલાકમાં વરસાદની સ્થિતિ જોઈએ તો કાલાવડ માં 81 મિલિમીટર, જામનગરમાં 43 મિલિમીટર, જોડિયામાં 06 મિલીમીટર, ધ્રોલમાં 04 મિલીમીટર, લાલપુરમાં 29 મિલિમીટર, જામ જોધપુરમાં 38 મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જામનગર તાલુકાનો વાગાડીયા ડેમ ઓવર ફ્લૉ થયો છે.
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ છે. તાપીમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ છે. તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે ઉકાઈ ડેમની સપાટી 305.89 ફૂટ પર પહોંચી છે. હાલ ઉકાઈ ડેમમાં 6 હજાર 362 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાં હાઇડ્રો મારફતે કેનાલમાં 800 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
તાપીમાં વધતા પાણીને પગલે મહારાષ્ટ્રના હથનુર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હથનુર ડેમમાંથી 1971 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે ભરૂચના મોટાભાગના તાલુકાઓમાં વરસાદની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો ભરૂચમાં 4 ઇંચ, ઝગડિયામાં 1.5 ઇંચ, વાગરા 2.5 ઇંચ, જંબુસરમાં 1 ઇંચ અને આમોદમાં 17 મિલિમીટર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરમાં 2.5 ઇંચ, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 2 ઇંચ, નેત્રંગ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ