સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે સવારથી જ લોકો વિવિધ મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજીમાં શક્તિ દ્વારથી જ ભક્તોની લાંબી લાઇનો જોવા મળી હતી. શામળાજીમાં આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા છે. પાવાગઢ શક્તિપથ પર માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાવાગઢ મંદિરે આજે અન્નકુટના દર્શન યોજાયા હતા. ડાકોરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. બેચરાજી મંદિરે પણ આજે સવારથી ભક્તો દર્શનાર્થે આવતા ભીડ જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે દેવદિવાળી પર્વ પર દિયોદરના ધનકવાડા ખાતે હિંગળાજ માતાજીના મંદિરે અને લાખણીના આગથલા ખાતે લોક મેળો ભરાયો હતો. ગ્રામજનોએ માતાજીના દર્શન કરી મેળાનો આનંદ માણ્યો હતો.
ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાતીગળ મેળામાં 600થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. એસ.ટી.વિભાગ દ્વારા લોકો સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે 35 થી 40 એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવી રહી છે.
Site Admin | નવેમ્બર 15, 2024 7:03 પી એમ(PM) | દેવદિવાળી