સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો છે. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે. જોકે, લોકસભામાં આ વિધેયક પહેલા જ પસાર થઈ ગયું છે. જ્યારે લોકસભામાં આજે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર કરાયો છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ચર્ચાનો જવાબ આપતાં કહ્યું, સરકારે દેશમાં બૅન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવા અનેક પરિવર્તન કર્યા છે. તેમણે કહ્યું, વર્ષ 2014માં બૅન્ક દબાણમાં હતી અને નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક મજબૂત બૅન્કિંગ પ્રણાલી ઢાંચો તૈયાર કર્યો.
ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025માં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલયના નામે ઓળખાતી ગ્રામ્ય વ્યવસ્થાપન આણંદ સંસ્થાને વિશ્વ-વિદ્યાલય તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્વની એક સંસ્થા તરીકે જાહેર કરવાની પણ જોગવાઈ છે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું, આ ખરડો ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને સ્વરોજગારનું સર્જન તથા નાના ઉદ્યમીઓના વિકાસમાં મદદરૂપ થશે.
શ્રી શાહે આ ખરડાથી દેશમાં આધુનિક શિક્ષણથી સુસજ્જ સહકારી નેતૃત્વ પ્રાપ્ત થશે તેમ પણ ઉમેર્યું હતું.
શ્રી શાહે કહ્યું, ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલયનું નામ ગુજરાતમાં અમૂલ કંપનીનો પાયો નાખનારા ત્રિભુવનભાઈ પટેલના નામે રખાયું છે.
ચર્ચામાં ભાગ લેતાં કૉંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું, ગુજરાતમાં પહેલી સહકારી વિશ્વ-વિદ્યાલય સ્થાપિત કરવી તે ગૌરવની વાત છે.
ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા ટેક્નિકલ અને વ્યવસ્થાપન શિક્ષણ તેમ જ સહકારી ક્ષેત્રમાં તાલીમ પૂરી પાડશે. આ સંસ્થા સહકારી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આ ખરડો સહકારથી સમૃદ્ધિના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં વૈશ્વિક ઉત્કૃષ્ટતાના સ્તરને પ્રાપ્ત કરશે. આ સંસ્થાઓના નૅટવર્કના માધ્યમથી દેશમાં સહકારી આંદોલનને મજબૂત બનાવશે. આ સંસ્થાને વિશ્વ-વિદ્યાલયની શાળાઓમાંથી એક તરીકે પણ જાહેર કરાશે.
Site Admin | માર્ચ 26, 2025 7:42 પી એમ(PM) | સંસદ
સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર
