સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હાલમાં ચાલી રહેલી આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહમાં યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજકીય દળો પાસેથી સહકાર માગશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરેન રિજીજૂ, અર્જૂન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે અને કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના નેતા પ્રફૂલ પટેલ, DMK નેતા ટી. આર. બાલૂ અને તિરૂચિ શિવા ઉપરાત ઑલ ઇન્ડિયા મજલિસ-એ ઇત્તેહાદૂલ મુસ્લિમીનના અસદુદ્દીન ઓવૈસી આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
સંસદનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન મંગળવારે લોકસભામાં વર્ષ 2024-25 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પહેલું અંદાજપત્ર હશે. ગયા મહિને સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારપૂર્વક કહ્યું હતું કે, અંદાજપત્ર સરકારની દૂરોગામી અને ભવિષ્યના દ્રષ્ટિકોણનો એક અસરકારક દસ્તાવેજ છે. આ સત્રમાં સરકાર છ નવા વિધેયક પણ રજૂ કરી શકે છે.