સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
એરો ઈન્ડિયા 2025 અગાઉ નવી દિલ્હીમાં રાજદૂતો સાથે એક ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે સંરક્ષણ અને હવાઈ ક્ષેત્રોમાં દેશની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને અત્યાધુનિક ટેકનોલોજીના સફળ વિકાસ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જે લડાયક વિમાન, પરમાણુ સબમરીન, વિશિષ્ટ યુદ્ધ ટેન્ક અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલોના વિકાસ અને ઉત્પાદનમાં રોકાયેલો છે. તેમણે એમ પણ કહ્યું કે C-295 વિમાનના ઉત્પાદન માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે જે સંરક્ષણ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારતમાં વ્યવસાય અને ભાગીદાર સ્થાપિત કરવા ઇચ્છતી વિદેશી કંપનીઓ માટે ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રોમાં અસંખ્ય તકો ઉપલબ્ધ છે.
દેશમાં પ્રગતિશીલ વૈશ્વિક સુરક્ષા વાતાવરણનો ઉલ્લેખ કરતા, શ્રી સિંહે શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક રીતે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વિશ્વના તમામ દેશોએ ભૌગોલિક તણાવને ઉકેલવા અને આર્થિક અને તકનીકી તકોનો લાભ લેવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:26 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી હોવાનું જણાવ્યું
