સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે ગઈકાલે સાંજે વૉશિંગ્ટન પહોંચ્યા છે.આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકામાં તેમના સમકક્ષ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે તેમજ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ બેઠક કરશે.
સંરક્ષણ મંત્રી અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વર્તમાનમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં થનારા કાર્યક્રમો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
ગત વર્ષે નવેમ્બરમાં થયેલા પાંચમાં વાર્ષિક ભારત અમેરિકા ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય સંવાદ બાદ ભારત અને અમેરિકાની દ્વીપક્ષીય સંરક્ષણ પહેલની પ્રગતિની પ્રશંસા કરી.
અમેરિકાએ ભારતીય સેનાના આધુનિકરણ, સંરક્ષણ તેમજ ઔદ્યોગીક સહકાર માટે ભારત અને અમેરિકા વચ્ચે સહકાર વધારનારા કાર્યક્રમોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશોએ જાન્યુઆરી 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા શરૂ કરાયેલા આઇસીઈટી કાર્યક્રમ દ્વારા પારસ્પરિક ભાગીદારીને મજબૂત બનાવવા સહમતી વ્યક્ત કરી છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:17 એ એમ (AM) | રાજનાથસિંહ