મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, અને તેને વર્ષ 2030 સુધીમાં 10 ટકા સુધી લઇ જવાનું ગુજરાતનું લક્ષ્ય છે.
આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના લાભોનું વિતરણ કરાયું હતું. દરમિયાન GIDCના 480 કરોડ રૂપિયાના 5 પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ પણ કરાયું હતું. આ પાંચ પ્રોજેક્ટ્સ સાણંદ-2 ઔદ્યોગિક વસાહત ખાતે સ્માર્ટ માળખાકીય સુવિધાઓના વિકાસકામો, પખાજણ ખાતે સ્થાપિત SEZ ઔદ્યોગિક વસાહત માટે ગંદા પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું કામ, પખાજણ ખાતે સ્થાપિત SEZ ઔદ્યોગિક વસાહત માટે રોડ અને સ્ટ્રીટ લાઇટનું કામ, પોરબંદર ઔદ્યોગિક વસાહત ખાતે આંતરમાળખાકીય સુવિધાઓના નવીનીકરણનું કામ અને બનાસકાંઠામાં મુડેઠા ખાતે એગ્રો ફૂડ પાર્કના કામનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 250 કરોડ રૂપિયાની ખનીજ કિંમતના 5 માઇનિંગ લીઝના મંજૂરીપત્રો એનાયત કરી ગુણવત્તા રથને લીલી ઝંડી આપી હતી. ગઈકાલથી શરૂ થયેલી આ ગુજરાત ગુણવત્તા યાત્રા લગભગ 50 દિવસ સુધી ચાલશે અને રાજ્યના 33 જિલ્લાઓને આવરી લેશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | ગાંધીનગર | ગુજરાત | ભારત | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ
