વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આજના દિવસ માટે સ્થગિત કરી દેવાઇ હતી. એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે સવારે શરૂ થતાંની સાથે જ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થતા સ્થિગત કરી દેવાઇ હતી.
કોંગ્રેસ, ડાબેરી, DMK, TMC, SP, AAP અને અન્ય પાર્ટીઓના સંસદ સભ્યોએ ગૃહને સ્થગિત કરવાનો મુદ્દાઓ ઉઠાવીને હોબાળો શરૂ કર્યો હતો. અગાઉ, જ્યારે આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખરે વિપક્ષી સાંસદો દ્વારા એક અગ્રણી વેપારી જૂથ, મણિપુર હિંસા અને ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા મામલે નિયમ 267 હેઠળ આપેલી સ્થગિત નોટિસને ફગાવી દીધી હતી. આ મુદ્દે વિપક્ષના સભ્યોએ ગૃહમાં ઘોંઘાટના દ્રશ્યો સર્જ્યા હતા
જ્યારે લોકસભામાં, ગૃહની બેઠક મળતાની સાથે જ વિપક્ષી સભ્યોએ આ જ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ સદસ્યોને વારંવાર વિનંતી કરી હતી કે તેઓ ગૃહને કામ કરવા સહકાર આપે અને ગૃહની ગરિમા જાળવી રાખે. તેમણે વિપક્ષી સાંસદોને ખાતરી આપી હતી કે પ્રશ્નોત્તરીકાળ બાદ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જો કે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. જોકે બાર વાગ્યા બાદ ગૃહમાં ફરીથી કામકાજ શરૂ થયુ હતું. વિપક્ષોના હોબાળા વચ્ચે પશ્નોત્તરી સત્ર આરંભાયુ હતું. પરંતુ વિપક્ષોએ સતત હોબાળો અને સૂત્રોચ્ચાર કરતાં લોકસભાની કાર્યવાહી પણ દિવસભર માટે સ્થગિત કરી દેવાઈ હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 2:34 પી એમ(PM) | સંસદ