વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને જાપાન વચ્ચે સેમિકન્ડક્ટર સહયોગના વધતા મહત્વ પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં બોલતા જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રો આ ક્ષેત્રમાં તાઈવાન સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છે. ડો. જયશંકરે આવા સહયોગના મહત્વ પર ભાર મૂકતા, આગામી દાયકામાં ભૌગોલિક રાજકીય સ્તરના સમીકરણોને સંતુલિત કરવા માટે સેમિકન્ડક્ટર્સ એક મહત્વપૂર્ણ ઘટક હોવાનું કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા અને ભારતીય કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓને આવકારવા સહિત આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ભારતની વધતી જતી નિખાલસતા તરફ પણ ધ્યાન દોર્યું હતું.
ભારત અને જાપાન વચ્ચેના સારા સંબંધો અંગે જણાવતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે વિદેશી પ્રવાસન પ્રત્યે વધતી જતી રુચિ છતાં, જાપાનમાં હજુ પણ ભારતીય પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો જોવા નથી મળ્યો. ચીન સાથેના સંબધો આગળ વધારવા માટે વધુ ચર્ચા કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2020 માં ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેની લશ્કરી હાજરી વધારી ત્યારે શાંતિપૂર્ણ યથાસ્થિતિ ખોરવાઈ ગઈ હતી. તેમણે હાલમાં પણ અહી મોટી સંખ્યામાં લશ્કરી દળો હોવાથી સૈન્ય ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:21 પી એમ(PM) | વિદેશ મંત્રી