વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ભારત અને આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગદારી પર ભાર મૂકતા જણાવ્યું છે કે બંનેની વસતી સંબંધી બાબતો અને વધતી માગ એકબીજાને મદદરૂપ બની શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રનું ચાલક પરીબળ બની શકે છે.
ડૉ. જયશંકર આજે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને સંબોધી રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને આસિયાન દેશો વચ્ચેનો સહકાર સમકાલીન પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ડૉ. જયશંકરે ભારત અને આસિયાનના સહિયારા પ્રદેશોમાં રાજકીય પ્રશ્નોને સ્વીકારતા તેમને સામૂહિક રીતે સંબોધીત કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું. ડૉ. જયશંકરે નવા નેટવર્કની પહેલ પર ભાર મૂકતા પૂર્વમાં ત્રીપક્ષીય હાઇવે પ્રોજેક્ટ – ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોર – IMEC અને આંતરરાષ્ટ્રીય ઉત્તર – દક્ષિણ પરિવહન કોરિડોર – INSTC જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રમુખ પ્રતિબદ્ધતાઓ વિશે વાત કરી. વિદેશમંત્રીએ જણાવ્યું કે આ યોજનાઓની અસર ભાવિ તકો મેળવવા માટેની ચાવી છે. તેમણે ઉમેર્યું કે ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ અને એનર્જી કેનક્ટિવિટી પણ તાજેતરની ચર્ચાનો વિષય છે.
દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન – આસિયાનમાં ઇન્ડોનેશિયા, સિંગાપોર, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઈ, થાઈલેન્ડ, કંબોડિયા, લાઓસ, મ્યાંમાર અને વિયેતનામનો સમાવેશ થાય છે.
Site Admin | નવેમ્બર 8, 2024 2:28 પી એમ(PM) | વિદેશમંત્રી