ગુજરાતની વિકાસ યાત્રાના 23 વર્ષની ઉજવણી નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી 15 ઓક્ટોમ્બર 2024 સુધી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે અંતર્ગત જામનગર જિલ્લમાં ભૂચર મોરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહને અનુલક્ષીને યોજાયેલી પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓએ વિકાસ શપથ લીધા હતા અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ માં કુલ 58.21 કરોડ ના કુલ 370 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ઐતિહાસિક પારનેરા ડુંગરના વિકાસ માટે પણ 3.50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી આ અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે. 20 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ટેક્નોલોજી અને વિવિધ આકર્ષણો સાથે આધુનિકીકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ ક્રાંતિગુરુની 167મી જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.
મહેસાણા જિલ્લામાં સાંસદ હરિ પટેલ અને સાંસદ મયંક નાયકની ઉપસ્થિતિમાં મહેસાણા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ભેગો કરવાની 15 ગાડીઓનો લોકાર્પણ નો કાર્યકર્મ યોજાયો હતો. છોટા ઉદેપુર ખાતે નવજીવન હાઇસ્કૂલ બોડેલી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગોધરા જિલ્લામાં રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ફૂટબોલ ટુર્નામેન્ટ, દોડ અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.