વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તથા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં, રાજ્યભરના અંદાજિત ૪ હજાર ૯૦૦થી પણ વધુ લાભાર્થીઓને અંદાજે ૬૮ કરોડથી વધુની લોન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજપીપળા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં 40 કરોડ 30 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાયું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું. નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે આ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગુજરાતમાંથી વિકાસ ગાથાની શરૂઆત કરતા આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે સૌનો વિકાસ કર્યો છે.
વિકાસ સપ્તાહ સમાપન દિવસે બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ અને ડીસા તથા પાલનપુર શહેરના કુલ મળીને ૨ હજાર ૨૪ કેન્દ્રો ખાતે પ્રાથમિક શાળાના બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. જિલ્લામાં કુલ ૩ લાખ ૩૪ હજારથી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તિથિ ભોજનનો લાભ લીધો હતો.
દાહોદ જિલ્લાના ઢઢેલા ખાતે આવેલ કાચલા મંદિર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં લીમખેડાની પશુપાલન શાળા દ્વારા પશુપાલકોને ખાણ-દાણ સહાય, ચાપકટર, બકરા યુનિટ, શુદ્ધ સંવર્ધન દ્વારા કૃત્રિમ બીજદાન સહિતની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી.
મોરબીમાં મણિમંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધીની વિકાસ પદયાત્રા તેમજ હેરિટેજ વૉકનું આયોજન કરાયું હતું.
તાપીના સોનગઢ નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની દિવાલો ઉપર ચિત્રો બનાવીને વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ.
તો કચ્છના માંડવી ખાતે વિકાસ પદયાત્રા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા.
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ પ્રસંગે કરમસદથી સરદાર પટેલના નિવાસસ્થાન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી.