પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે.
અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ધનતેરસ, દિવાળી સહિતના બધા તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી પોતાના નવા ઘરમાં ઉજવશે, એનો આનંદ છે.
રાજ્યમાં આવેલી અતિવૃષ્ટિની વાત કરતા તેમણે કહ્યું કે, આ વરસાદના કારણે સ્વજનો ગુમાવનારા પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ આપી રહી છે.
પ્રધાનમંત્રીએ પોતાની સરકારના ત્રીજા કાર્યકાળ અંગે જણાવ્યું કે, ગત છેલ્લા 100 દિવસમાં યુવાનો માટે નોકરી, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. 100 દિવસમાં 15 લાખ કરોડથી વધુની યોજનાઓ પર કામ શરૂ કરાયું છે.
પ્રધાનમંત્રી મોદીએ ઉંમેર્યું કે, દેશમાં ત્રણ કરોડ લખપતિદીદી બનાવવામાં આવશે, જેમાં છેલ્લા એક વર્ષમાં એક કરોડ લખપતિ દીદી બની ગઈ છે. તેમ જ આ ત્રીજા કાર્યકાળમાં માત્ર 100 દિવસમાં જ 11 લાખ નવાં લખપતિ દીદી બનાવવામાં આવ્યાં છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM) | #Akashvani AkashvaniNews | akashvaninews | Gujarat | India | narendramodi | ગુજરાત | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી