બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટણી સંદર્ભે એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પહેલા રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસો કર્યા હતા. વાવ તાલુકાના ભાટવર ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, બચુભાઈ ખાબડ, ભાનુબહેન બાબરિયા, પ્રફુલ પાનસેરિયા તેમજ રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. જેમાં બળવંતસિંહ રાજપૂતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તરફ કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે અને ગેનીબહેન ઠાકોરે ભાભર શહેરમાં ઘર ઘર જઈને પ્રચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના નેતા ગની બહેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં વીજયી થતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ છે. જેમાં ભાજપના નેતા સ્વરૂપજી ઠાકોર, કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ નેતા માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળી રહ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.