રાજ્યમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ નુકસાનની ઘટના પણ બની છે. ભરૂચના લાલુભાઈ ચકલા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. તો 100 થી વધુ વર્ષ જૂના મકાનો પાસે દસ દિવસ પહેલા એક ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનાના પગલે નગરપાલિકા દ્વારા જુના ભરૂચનો મુખ્ય માર્ગ બંધ કરાયો હતો.. જો કે, મકાન પડવાની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઇ હતી. જે અંતર્ગત એક વ્યક્તિનું મલબામાં દબાઇ જવાથી મોત થયું છે.
નવસારી જિલ્લામાં અવિરત વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીલીમોરા નજીક માછીમારી કરવા ગયેલો એક યુવાન તણાઇ જતાં લાપત્તા થયો છે. જ્યારે જૂજ અને કેલીયા ડેમ છલકાયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને લઇ વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે..વલસાડની ઓરંગા નદી એ પોતાની ભયજનક સપાટી વટાવતા ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના લીધે કાશ્મીરનગરમાં દોઢસોથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે જિલ્લાના વલસાડ વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 જેટલાં રસ્તાઓ બંધ કરાયા છે.
વલસાડના પારડી તાલુકાના નાનાવાછીપા ગામે 100 વર્ષ જૂનું વડનું ઝાડ પડી જતા રસ્તો બંધ થઇ ગયો હતો. વાહનચાલકોને આવવા જવામાં અગવડતા ઉભી થતાં વનવિભાગે જાણ કરાતા જીઈબીની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફીક કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘ મહેરને કારણે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે..પૂર્ણા,અબિકા, ઝાખરી,મીંઢોળા,વાલ્મિકી નદીઓ બે કાંઠે વહી રહી છે..ગ્રામ્ય વિસ્તારના લો લેવલ પુલ પરથી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.. વરસાદના કારણે કુલ 42 રસ્તા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા, જેમાં વ્યારા તાલુકાના 12, ડોલવણના 20, વાલોડના 6 અને સોનગઢના 4 રસ્તા બંધ કરાયા છે.. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 331.89 ફૂટ પર પહોંચી છે. હાલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 5 ગેટ ખોલી 61,860 ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે.
અરવલ્લીના મોડાસા શહેરમાં આજે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરના માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતાં..
ડાંગ જિલ્લામાં આજે સવારથી અવિરત વરસાદ ચાલુ છે ત્યારે સાપુતારાની અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ત્યાંના કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યાં હતા. જેથી 19 જેટલા ગામ્ય માર્ગો બંધ થતાં સંપર્ક વિહોણા બન્યા છે.
નર્મદા જિલ્લામાં આવેલ અન્ય એક નાના કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હાલ ડેમના 3 ગેટ 1.6 મીટર ખોલી કરજણ નદીમાં 19035 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:44 પી એમ(PM)