રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ બે હજાર ચાર કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય ત્યાં સુધી રાજ્યના ૧ કરોડ ૫૦ લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.
રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે અન્ય રહેણાંક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે.
જ્યોતિગ્રામ યોજનાનો લાભ મેળવતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કેબલિંગના કામનું નવીનીકરણ કરવાનું પણ આયોજન છે, જેના માટે નાણાકીય અંદાજપત્રમાં પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ ઉર્જા મંત્રીએ ઉમેર્યું હતું.
અન્ય પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યનાં કુલ ૩૩ જિલ્લાના ૧૮ હજાર ૨૨૫ પૈકી ૧૭ હજાર ૨૨૭ ગામોમાં ખેતીવાડી વીજજોડાણ અપાયેલાં છે. જેમાંથી ૧૬ હજાર ૭૧૭ એટલે કે આશરે ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 3:38 પી એમ(PM) | કનુ દેસાઈ
વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ બે હજાર ચાર કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી
