રશિયાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત છે. મૉસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે આ વાત કહી. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે જે પણ લક્ષ્યાંક મૂક્યા, તેને હાંસલ કર્યા છે.
શ્રી મોદી આજે 22માં ભારત-રશિયા શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ સંસ્કૃતિ અને લોકસંપર્ક સહિતના મુદ્દાઓ પર દ્વીપક્ષીય મંત્રણા થશે. તેઓ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરશે. બંને નેતાઓ બ્રિક્સ, શંઘાઈ સહકાર સંગઠન, જી20, પૂર્વીય એશિયા શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્ર જેવા જૂથોમાં દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. તેઓ ક્રેમલિનમાં સૈનિક સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે, ઉપરાંત મૉસ્કોમાં રોસાટૉમ પવેલિયનની મુલાકાત લેશે. જે બાદ પ્રતિનિધિ મંડળની બેઠક થશે.
શ્રી મોદી ગઈકાલે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસના ભાગ રૂપે મૉસ્કો પહોંચ્યા હતા. આ પ્રસંગે રશિયાના ઉપ પ્રધાનમંત્રી, ડેનિસ મંટુરોવે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદી માટે રાત્રી ભોજનું આયોજન કર્યું હતું.
Site Admin | જુલાઇ 9, 2024 4:00 પી એમ(PM) | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી