વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’નો આરંભ થયો છે.. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં ૧૦ કરોડ ૪૩ લાખના ખર્ચે ૨ હજાર ૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ થયો. મંત્રીએ રેઈન વોટર હાર્વેસ્ટિંગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ‘જળસંચય અને જનભાગીદારી’ હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨ લાખ ૪૮ હજારથી વધુ બોરના કામો હાથ ધરાશે. સુરત જિલ્લામાં ૧ હજાર ૫૦૦ બોરનું કામ ૨૦ દિવસમાં પૂર્ણ થશે. આ કાર્યમાં સુમુલ ડેરી પણ ૧ હજાર ૨૦૦ બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કડોદરાની ઈન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિગના કાર્યમાં જોડાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 3:13 પી એમ(PM) | વરસાદ