રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ઘુડખરની વસતિમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું કે, ‘ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસતિ 7 હજાર 672 છે.
શ્રી બેરાએ ઉમેર્યું કે, આ વર્ષે 10મી ઘુડખર વસતિ પ્રમાણે 2 હજાર 705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે એક હજાર 993 ઘુડખર કચ્છ જિલ્લામાં, એક હજાર 615 ઘુડખર પાટણમાં છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું કે, ‘અંદાજે 15 હજાર 510 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સીધી ગણતરી પદ્ધતિથી ઘુડખરની સાથે નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્યજીવોની પણ ગણતરી કરવામાં આવી હતી.
ભારતીય ઘુડખરની વિશેષતા એ છે કે, રાજ્યના આ ઘુડખર રણમાં 45થી 50 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં 50થી 70 કિલોમીટરના પૂરપાટ વેગે દોડી શકે છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 3:25 પી એમ(PM)