ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આવતીકાલથી પ્રારંભ થશે. આ વર્ષે એવોર્ડ તાના-રીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડો.પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને અઢી લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ અર્પણ કરવામાં આવશે. એવોર્ડ સમારોહમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરા, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા તાના-રીરી મહોત્સવમાં દેશના પ્રખ્યાત કલાકારો સંગીતકલા રજૂ કરે છે. આવતીકાલે નીરજ અને અમી ગ્રુપ તેમજ મૈથિલી ઠાકુર શાસ્ત્રીય ગાયન અને જાણીતા લોકગાયક ઓસમાણ મીર તેમના ગાયનથી શ્રોતાઓને ડોલાવશે. સોમવારે શશાંક સુબ્રમણ્યમ વાંસળી વાદન અને પાર્થિવ ગોહિલ ગ્રુપ સંગીતના સુરો રેલાવશે.