લેબનોન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે આજે એક
પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જૂથને ઈઝરાયેલની
ચેતવણીથી સંઘર્ષ વધવાની આશંકા ને પગલે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે લેબનોનમાં ભારતીયો અથવા જેઓ લેબનોન
જવાની યોજના બનાવી રહ્યા છે તેઓએ બેરુતમાં દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ.
એક્સ પરની એક પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સાવચેતી રાખવાની અને
બેરૂતમાં ભારતીય દૂતાવાસ સાથે તેમના ઇમેઇલ આઈડી દ્વારા સંપર્કમાં રહેવાની
સલાહ આપવામાં આવે છે.
લેબનોનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ જૂથ વચ્ચે તણાવ વધવાને
કારણે બેરૂત એરપોર્ટ પર ફ્લાઇટ્સ આજે રદ કરવામાં આવી હતી. શનિવારે
ઇઝરાયેલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં થયેલા હુમલામાં 12 બાળકો અને
કિશોરોના મોત થયા બાદ આ પરિસ્થિતિ સર્જાઇ છે.