લાંચરૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી કરાતા અમદાવાદ અને વલસાડમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.
અમદાવાદના ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે.આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક વેપારીને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46 લાખ કરતા વધુની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ વેપારીને ભરવાની થતી ન હતી.
આ નોટીસ મળ્યા બાદ વેપારીએ જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
જોકે વેપારી આ લાંચ આપવા માંગતા ન હતા અને તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ ફરિયાદ કરી હતી.આ ફરિયાદ બાદ કર્મચારી વીમા નિગમ કચેરીમાં જ એસીબીએ ટ્રેપ ગોઠવીને અધિકારીને રંગે હાથ ઝડપીને લાંચની રકમ જપ્ત કરી હતી.
તો બીજીતરફ વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી એક કંપની ઉપર PFના કેસના નિકાલ માટે વાપી PF કંપનીના આસિસ્ટન કમિશ્નર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.લાંચની રકમ આપવા ન માંગતા ઉદ્યોગપતિએ વલસાડ ACBની ટીમને ફરિયાદ કરી હતી.જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી કેન્દ્ર સરકારના લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા હતા.
વલસાડ ACBની ટીમે 2 અધિકારીઓને ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના વાપી ગુંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં ACBની ટીમે ટ્રેપ ગોઠવી વર્ગ-1, વર્ગ-2 એમ બે અધિકારીઓને અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ-2) ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PF કપાવવાની કાર્યવાહી અંગે ચાલતા કેસનો નિકાલ કરવા અંગે PF કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી.
સમગ્ર મામલે વાપી PF કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને રૂ.5 લાખ રૂપિયાની લાંચ માગી હતી. બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી વલસાડ ACBના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ACBની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:00 એ એમ (AM) | લાંચરૂશ્વત વિરોધી દળ