અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્વેન્શન હોલ અને ચાર હજાર ચોરસ મીટરમાં એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત પર્ફોમિંગ આર્ટ થિયેટર, એમ્ફિ થિયેટર બનાવવાની પણ યોજના છે.
આ સેન્ટર બનાવવા માટે તાકીદની દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ સામાન્ય સભાની મંજૂરી જરૂરી હોવાથી સામાન્ય સભામાં મુકાશે.