રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે.
આ વાતચીતનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખમાં સૈનિકોની તૈનાતીને કારણે છેલ્લા ચાર વર્ષથી વણસેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે. શ્રી ડોભાલ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિ સ્તરની મંત્રણાનો 23મો રાઉન્ડ યોજશે.મંત્રણામાં , પેટ્રોલિંગ સંબંધિત 21 ઓક્ટોબરના કરાર મુજબ પૂર્વી લદ્દાખમાંથી સૈનિકો પાછા ખેંચવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. આ મહત્વપૂર્ણ વાતચીત પહેલા ચીને ગઈકાલે કહ્યું હતું કે તે 24 ઓક્ટોબરે રશિયાના કઝાન ખાતે બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક દરમિયાન સંમત થયેલી પ્રતિબદ્ધતાઓને લાગુ કરવા માટે ભારત સાથે કામ કરવા માટે ઉત્સુક છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને પ્રતિનિધિની મંત્રણા વિશે પત્રકારોને કહ્યું કે ચીન પરસ્પર મતભેદોને સંપૂર્ણ તત્પરતાથી ઉકેલવા માંગે છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 9:32 એ એમ (AM)