રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના પહેલાં ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને રાષ્ટ્રિય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરનારા અને વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવનારા શિક્ષકોને આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષક અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકને પણ પુરસ્કાર અપાશે. દરેક પુરસ્કારમાં પ્રમાણપત્ર, 50 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આકાશવાણી દિલ્હી આજે સાંજે 4.10 વાગ્યાથી તેના એફએમ ગોલ્ડ, ઈન્દ્રપ્રસ્થ અને આકાશવાણી લાઈવ ન્યૂઝ 24×7 ચેનલો પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે. આ કાર્યક્રમ આકાશવાણીની યુટ્યુબ ચેનલ ઓલ ઈન્ડિયા રેડિયો એઆઈઆર પર પણ જીવંત સાંભળી શકાશે.