આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડમાં મુખ્ય મહેમાન રહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે એક બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, ત્યારબાદ 105-મીમી લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરીને 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું.
દેશના વિવિધ ભાગોમાંથી સંગીતનાં સાધનો સાથે ‘સારે જહાં સે અચ્છા’ વગાડતા 300 સાંસ્કૃતિક કલાકારો દ્વારા પરેડની શરૂઆત કરવામાં આવી. ધ્વજ ફોર્મેશનમાં 129 હેલિકોપ્ટર યુનિટના Mi-17 1V હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્શા કરવામાં આવી હતી.
કર્તવ્ય પથ પર ટેન્ક T-90 (ભીષ્મ), NAG મિસાઇલ સિસ્ટમ સાથે BMP-2 સારથ, બ્રહ્મોસ, પિનાક મલ્ટી-લોન્ચર રોકેટ સિસ્ટમ, અગ્નિબાન મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર, આકાશ વેપન સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ, ઓલ-ટેરેન વ્હીકલ (ચેતક) અને લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ (બજરંગ) પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.દિલ્હીની સાથે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ.