રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘને તેમનાં નિવાસસ્થાને શ્રઘ્ઘાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશામાં જણાવ્યું કે, ડો. સિંહ એવા જૂજ રાજકારણીઓમાંના એક હતા, જેઓ શિક્ષણ અને વહીવટ બંને સમાન કુશળતા ધરાવતા હતા.
એક વિડિયો સંદેશામાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ડોક્ટર મનમોહન સિંઘને હંમેશા પ્રામાણિક વ્યક્તિ, મહાન અર્થશાસ્ત્રી અને આર્થિક સુધારા પ્રત્યે સમર્પિત નેતા તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક સંદેશામાં જણાવ્યું કે, ભારતે દ્રષ્ટા રાજનેતા, નખશિખ પ્રામાણિક નેતા અને અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ડોક્ટર મનમોહન સિંઘનાં નિધનથી તેમણે માર્ગદર્શક અને સલાહકાર ગુમાવ્યા છે. તેમની સાલસતા અને અર્થતંત્ર અંગેની ઊંડી સમજ રાષ્ટ્રને પ્રેરણા આપતી રહેશે.
કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, ભૂતુપુર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભૂતપુર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનાં નિવાસસ્થાને શ્રઘ્ઘાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ સમિતિ અને કાર્યકર્તાઓ વતી ડો. મનમોહન સિંહના પાર્થિવ દેહ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી.