રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે. કેટલાંક જિલ્લામાં ગત જુલાઈ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે પાકોને વ્યાપક નુકશાન થયું હતુ.
રાજ્યના ૪૫ તાલુકાઓનો ૪ લાખ છ હજાર ૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે એક લાખ પચાસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.
અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણ મુજબ, પાક નુકશાની માટે સહાય અપાશે. જેમાં ખરીફ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે ૧૧ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. જ્યારે પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે ૨૨ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આ ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે ૨૨ હજાર ૫૦૦ પ્રતિ હેક્ટર લેખે મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવવા પાત્ર રકમ ૩ હજાર ૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા ૩ હજાર ૫૦૦ ચૂકવાશે..
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:32 પી એમ(PM) | #Akashvani AkashvaniNews